સુસ્વાગતમ.....

* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *

ગ્રામવર્ણન

અહીં, ચાંદોદ ગ્રામ નું વિહાર અવલોકન દર્શાવામાં આવ્યું છે. જ્યાં ગ્રામ ના પ્રવેશ થી માંડી ને ગ્રામ ના અંત એટલે કે નદીના ઘાટ સુધીનું અત: થી ઇતિ સુધી નું વર્ણન કરવા માં આવ્યું છે.


* ચાંદોદ વિહાર અવલોકન :--
ચાંદોદ ગામ આમતો નાનું છે, પણ છતાં ઊંચા ટેકરાઓ  પર વસેલું હોવાથી અતિ સુંદર સોહામણું સ્વરૂપ ધરાવે છે અને સ્ટેશન તરફ થી આવતા યાત્રાળુઓ ને એક અલગ અનુભૂતિ કરાવે છે. માંડવા થી આગળ આવીને જેવા ચાંદોદ ગામ માં પ્રવેશ કરો કે તરત જ એક નાનો પુલ આવે છે જેની બંને બાજુએ નાની ખાડી જેવું દ્રશ્ય દેખા દે છે જે ચાંદોદ માં આવનાર દરેક આગંતુક ની આંખો ને કુદરાત ના ખોળે આવ્યા નો આનંદ આપે છે. ત્યાંથી આગળ આવતા જાંબુ બ્રાહ્મીન પાઠશાળા જમણી બાજુએ થોડીક અંદરની તરફ દેખા દે છે. ત્યાંથી થોડાક પગલા આગળ માંડતા માં ખોડીયાર તથા માં અંદા નંદા ના પવિત્ર નાના દેરા જમણી બાજુએ દેખાય છે. આ નાના દેરા ની સામે ની તરફ શ્રી બી.એન. હાઇસ્કુલ આવેલ છે. તેનાથી આગળ વધતા ચાંદોદ નું બસ સ્ટેન્ડ આવેલ છે. ચાંદોદ બસ સ્ટેન્ડ થી આગળ વધતા જમણી બાજુએ ભીમપુરા ગામ તરફ વળવા નો રસ્તો આવે છે તથા અહી ટાઉન હોલ પણ આવેલું છે, અને ડાબી બાજુએ આવેલ ઢાળ તરફ થી કરનાળી કે ઔરસંગ નો રસ્તો છે, જયારે સીધી તરફ જતા ચાંદોદ ગામ તરફ જવાય છે. ગામ ની તરફ જતા જ પ્રથમ તો ડાબી બાજુએ ઔદીચ્ય બ્રાહ્મણો ની વાડી એક ઊંચા ટેકરે આવેલ જણાશે. જેની બરોબર અડીને ગામ ની એક બહુમજલી ઈમારત માં સર વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરસી લાયબ્રેરી આવેલી છે.જે તેના જુના જમાના ની યાદ આપાવે છે. તેની થી આગળ વધતા જમણી તરત એક લોટ્ઘર ની બાજુ માં વાણીયાવાડ નો ઢોળ આવેલ છે જ્યાંથી શ્રી શેષનારાયણ મંદિર તરફ જવાનો રસ્તો છે. ત્યાંથી, આગળ વધતા ગામ નું બજાર આવે છે. જ્યાં જીવન જરૂરિયાત ને લગતી લગભગ બધીજ વસ્તુઓ ની દુકાનો મળી આવે છે. જ્યાં આગળ જતા ચાર રસ્તા પાસે ગ્રામપંચાયત ની ઓફીસ આવેલી છે.  આ ચાર રસ્તા ની જમણી બાજુ એ થી વેરાઈ માતા ના મંદિર, તથા શ્રી શેષનારાયણ મંદિર તરફ, શ્રી ચંડિકા માતા ના મંદિર તરફ, તથા ચક્રપાણી ઘાટ અને આ ઘાટે આવેલ લીલાબા હોટેલ તરફ જઈ શકાય છે. જયારે આ ચાર રસ્તા ની ડાબી બાજુએ જતા શ્રી કપ્લેશ્વર મહાદેવ, માધવાનંદ આશ્રમ તથા ઔરસંગ ની તરફ જઈ શકાય છે. જયારે આ ચાર રસ્તા થી સીધા રસ્તે જતા સુંદર મલ્હારાવ ઘાટ તરફ જઈ શકાય છે  કે જે શ્રીમંત મલ્લ્હારાવ ગાયકવાડે ( રાજ્યકાળ : ૧૮૭૦ - ૭૫ ) માં બંધાવેલ અતિ સુંદર ઘાટ નર્મદા તટે છે. નદી નો આ ઘાટ એ સોનગઢી પથ્થરો નો બનેલો છે, જેમાં જયપુરી શિલ્પકલા ની બાંધણી છે. આ ઘાટ પર થી યાત્રિકો ને રાજપીપળા, કુબેર કરનાળી, વ્યાસ કે નાની મોટી પનોતી જવા માટે ની હોડીઓ મળતી રહે છે. 

નર્મદા મૈયા ના ઉત્તર તટે આવેલ ચાંદોદ પુરાતન કાળ થી ઉત્તમ તીર્થ મનાય છે. મૈયાજી ની મીઠી ગીરી કંદરા માં વસેલ ચાંદોદ કયારેક માતા ના પુનીત સ્પર્શથી પવન થઈને અનહદ ધન્યતા પ્રાપ્ત કરે છે તો ક્યારેક રુદ્ર્દેહા નર્મદા નો પ્રચંડ પ્રકોપ વહોરીને તારાજી પણ અનુભવે છે, તો પણ ચાંદોદનગરી મૈયા નર્મદા ! નર્મદે હર ! કે જય નર્મદા ! ના આત્મીયભાવો થી વધુ ને વધુ ભાવમય બને છે. આ નગર ની પ્રજા નર્મદા મૈયા ના ચરણોની રજ પામી કે તેના પવિત્ર જળમાં સ્નાન કરીને પણ ભાગ્યશાળી બને છે. દરમાસ ની પૂનમે કે બીજા પવિત્ર તેહવારો ના સમયે આ તીર્થ માં ગૌરવ સમા મલ્લ્હારાવ ઘાટ ના ભવ્ય કિનારા પર હજારો યાત્રિકો ને સ્નાન કરતા કે કર્મકાંડ કરાવતા નિહાળવા એ પણ એક અનેરો લહાવો બની રહે છે. મલ્લ્હારાવ ના ભવ્ય કિનારા થી મૈયાજી ના દક્ષિણ અને ઉત્તર તટો ની સફરે જતા યાત્રિકો ની અવરજવર આ સ્થળ ની મહત્તા ને વિશેષ ગૌરવાન્વિત કરે છે. ચાંદોદ તીર્થ ની પૂર્વ અને પશ્ચિમ બાજુએ ઉભયતટે પથરાયેલ પવિત્ર ધામો ની મુલાકાત લેવાનું કયા યાત્રિકોએ નહિ વિચાર્યું હોય ! ચાંદોદ માં પ્રવેશ કરનાર યાત્રિક કે પ્રવાસી મૈયાજી ની ગોદ માં રહી ને સફર કાર્ય નો અદભુત આનંદ મેળવ્યા વિના રહી શકતો નથી. ચાંદોદ ની પૂર્વ બાજુએ કરનાળી, કુબેરભંડારી, મોરલી સંગમ, હંસારૂઢ્જી, નાની મોટી પનોતી, અને ગરુડેશ્વર તથા પશ્ચિમ બાજુએ ગંગનાથ, બદ્રિકાશ્રમ, વ્યાસેશ્વર, શુક્ર્દેવ, અનસુયાજી, શિનોર અને માલસર જેવા પ્રાચીન અર્વાચીન નયન રમ્ય સ્થળો આવેલા છે. આ દરેક સ્થળો એ ઐતિહાસિક વિશિષ્ટતા પણ ધરાવે છે. આ પૈકી ગંગનાથ તીર્થ જે ચાંદોદ ની પશ્ચિમ બાજુએ આવેલું છે, આ ગંગનાથ મહાદેવ ના મંદિર ની પાછળ વિશાળ બગીચો એ સૌનું આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. આ સ્થળ ની વિશિષ્ટતા એ છે કે અહી મહર્ષિ અરવિંદે આશરો લીધો હતો અને સાધના સાધી હતી. એટલે આ સ્થળ એ અરવિંદ ઉપાસકો માટે પ્રેરણાસ્ત્રોત્ર બની રહે છે. ચાંદોદ ની આશરે પાંચ કિલોમીટર પર આવેલ વ્યાસ તીર્થ પણ પુરાતન તીર્થ છે. વ્યાસ બેટ પર ભગવાન વ્યાસ નું મંદિર આવેલ છે. નર્મદાજી ની ભારે રેલ ને કારણે આ તીર્થ તદ્દન બિસ્માર બન્યું છે છતાંપણ ભગવાન વ્યાસ નું મંદિર મૈયા ના પ્રકોપ ની સામે અડીખમ ઉભું રહી ને ઈતિહાસ ની સ્મૃતિ કરાવે છે. આગળ જતા માતા અનસુયાજી નું મંદિર આવે છે. આ મંદિર ની મૂર્તિ ના દર્શન કરીને ધન્ય બનતો યાત્રિક ત્યાની માટી નું મહત્વ જાણે છે ત્યારે કૃતજ્ઞ બની જાય છે. કહેવાય છે કે અહીની માટી એ કોઢ અને કરોળિયા જેવા જીવલેણ અને ચામડી ના અતિ ભારે રોગો ને પણ મટાડી શકે છે. આ ઉપરાંત ચાંદોદ ની આગળ પાછળ આવેલ અનેક તીર્થો યાત્રિકો ની શ્રદ્ધા ને સ્પર્શે છે. આ તીર્થ સ્થળો ની મુલાકાત લેનાર યાત્રિકો ને લાગે છે કે " નર્મદા ના કંકર એટલે શંકર ". નર્મદા ના પ્રવાસીઓ એમ કહે છે કે નર્મદા ના મૂળ થી માંડી ને મુખ સુધી માં ૩૩૩ શિવતીર્થો, ૨૮, વૈષ્ણવતીર્થો, અને બાકીના અન્ય તીર્થો આવેલા છે. આ બધા તીર્થો ની યાત્રા તો કોઈક ભાવિક જ કરી શકે ! ગુજરાત ની ધરતી પર આવેલા તીર્થો ના દર્શન માટે ચાંદોદ તો કેન્દ્ર સમું છે, અને એટલેજ રેવાજી ના ઉભયતટે આવેલ તીર્થો ના દર્શને આવનાર ભાવિક ચાંદોદ માં જ નિવાસ કરે છે. ચાંદોદ ના બસ સ્ટેશન પાસે જ તીર્થગોર બ્રામ્હનો યાત્રિકો નું ભાવભીનું સ્વાગત કરે છે. તીર્થગોર નું આતિથ્ય સ્વીકારનાર યજમાન પણ ગોર નું યથાશક્તિ ઋણ અદા કરે છે. આ રીતે યજમાન અને ગોર ના ઉભય સંબધો થી ઉભો થતો ધંધો એ યજમાન વૃતિ એ આ ગામ નો મુખ્ય વ્યવસાય છે. આ ઉપરાંત અહી થોડાક વેપારીઓ, થોડાક નોકરિયાત અને પછી બાકીના નાવિકો ના ધંધા પર નિર્ભર છે. કોઈ પણ જાતના વિશેષ ધંધા કે રોજગાર ન હોવાના કારણે આ ગામ નો જોઈએ તેવો આર્થિક વિકાસ નથી થઇ શક્યો.


આ સ્થળ પેહલા ચંડીપુર તરીકે જાણીતું હતું. કાળક્રમે તે ચાણોદ અને ત્યારબાદ ચાંદોદ થયું છે. આ ગામ એ ટેકરીઓ પર વસેલું છે. તેના પશ્ચિમ દિશાએ ઊંચા ટેકરા પર વસેલું ભગવાન શ્રી શેષનારાયણ નું મંદિર પ્રાચીન તેમજ ઐતિહાસિક છે. નિજમંદિર માં બિરાજમાન શ્રી શેષશાઈજી ની મૂર્તિ નો પ્રાદુર્ભાવ એ નર્મદા મૈયા ના ગોદ માંથીજ થયું હતું. મૈયા નર્મદા ના ગોદ માંથીજ પ્રગટ થનાર આ મૂર્તિ મનોહર અને અપ્રતિમ છે. ભક્તજનો અને પ્રવાસીઓ ના મુખ માંથી શબ્દો નીકળી પડે છે કે " શેષશાઈજી ની મૂર્તિ અને મલ્લ્હારાવ ના ઘાટ નો જોટો ગુજરાતભર માં તો શું પણ આખા ભારતભર માં નથી ".આ નયનરમ્ય અને મનોહર મૂર્તિ ની ઝાંખી એ મનને અને શરીર ને શાતા આપનારી બની રહે છે. આ ઉપરાંત ગાયકવાડ સરકારે બંધાવેલ કપિલેશ્વર અને કાશીવિશ્વનાથ મહાદેવ ના મંદિરો પણ આકર્ષક છે. કાશીવિશ્વનાથ નું મંદિર એ પ્રાચીન કલાકારી ના દર્પણ સમું ઊભું છે. ચાંદોદ ની પૂર્વ બાજુએ ત્રિકમજી નું મંદિર આવેલું છે. જે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. આ ઉપરાંત ચાંદોદ ગામ માં કિનારા પર આવેલ લક્ષ્મીનારાયણ નું મંદિર, સ્વામીનારાયણ મંદિર, સત્યનારાયણ મંદિર, ચંડિકા માતા મંદિર વિગેરે ધાર્મિક સ્થળો તીર્થ માં આવનાર દરેક યાત્રિકો માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. ટૂંક એમ કહીએ તો પણ ચાલે કે :" ચાંદોદ એ તેના મંદિરો થી તેમજ નર્મદા માતા ના ઘાટો થીજ જાણીતું છે ". આ પવિત્ર નગરીએ ઘણા મહાનુભાવો ને જન્મ આપ્યો છે. આ ધરતી ભક્ત કવિશ્રી દયારામભાઈ ની જન્મભૂમી છે. નર્મદાસ્નાન કે અન્યકાર્ય માટે ભૂલો પડેલો ગુર્જરી સાહિત્ય નો પુત્ર ભક્ત કવિશ્રી દયારામ ની યાદ લીધા વિના શાનો પાછો ફરે ? આ ચાંદોદ નગરી ને સંસ્કાર બક્ષનાર કે કેળવણી આપનાર હાઈસ્કુલ બાલાજીસંપ્રદાય ના આદ્ય આચાર્ય શ્રી ભાગ્વતાચાર્ય નારાયણાચાર્ય ના શુભ નામ થી સંકળાયેલી છે.

આ પવિત્ર તીર્થ એ વડોદરા જીલ્લા ના ડભોઇ તાલુકા માં વસેલું છે. ચાંદોદ એ ડભોઇ તથા વડોદરા સાથે એસટી રોડ માર્ગ થી જોડાયેલું છે. આ તીર્થ માં કોઈ માતૃ પિતૃ ઋણ અદા કરવા કાજે તો કોઈ પોતાના સ્વજનો ની આત્મા ની શાંતિ અર્થે નારાયણબલી કરવા માટે કે પછી કોઈ પોતાના સ્વજનો ના અસ્થી વિસર્જન અર્થે આવે છે. તો કોઈ પવિત્ર એવી માં નર્મદા માં સ્નાન હેતુ પણ આવે છે. કેહવાય છે કે " ગંગા માં સ્નાન, યમુના ના પાન અને માં નર્મદા ના દર્શન થી જ પવન થઇ જવાય છે ". અંત માં આ ચાંદોદ નગરી એ મુમુક્ષુઓ નું અંતિમ સ્થાન, સાહિત્યીકો નું પ્રેરણાસ્ત્રોત્, ભાવિકો નું ભાવના સ્થાન અને યાત્રિકો નું યાત્રાધામ સ્થળ છે. આવા ઉત્તમ અને મનોહારી સ્થળ ની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. 


No comments:

Post a Comment