સુસ્વાગતમ.....

* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *

Monday, April 9, 2012

ચાંદોદ માં નદી કિનારા ના ઘાટ નો સુંદર પુનરોધ્ધાર

ચાંદોદ માં નદી કિનારા ના ઘાટ નો સુંદર પુનરોધ્ધાર

થોડાક દિવસો પૂર્વ ચાંદોદ ગામ માં સૌથી વધુ ચહલપહલ ધરાવતો વિસ્તાર એટલે કે મલ્લ્હારાવ ઘાટ કે જે ખુબજ પૌરાણિક છે તેનો પુનરોધ્ધાર કરવામાં આવ્યો અને એ પણ તેનો સુંદર રીતે રંગરોગાન કરીને. નોંધ કરી શકાય એવી બાબત છે કે મલ્લ્હારાવ ઘાટ કિનારે હોડી ચલાવી ને પોતાનું ગુજરાન ચલાવનારા નાવિકોએ પોતાના સુંદર મેનેજમેન્ટ થી આર્થિક આયોજન કરીને આ અતિ પ્રાચીન એવા સુંદર ઘાટ નું નવીન રંગરોગાન કરાવી ને આ ઘાટ ને એક નવુજ રૂપ આપ્યું છે જે ખરેખર આવકારદાયક છે. આ નાવિકો ના અથાગ પ્રયત્ન થકી ચાંદોદ ને આજે આ મલ્લ્હારાવ ઘાટ નું નવું રૂપ પ્રદાન થયું છે એ બદલ ચાંદોદ ગામ આ નાવિકો ના જૂથ અને તેમના સુંદર મેનેજમેન્ટ ને આવકારે છે. આજકાલ ગામ માં આવનાર દરેક યાત્રીઓ આજ ના આ મલ્લ્હારાવ ઘાટ નું સુંદર નવું રૂપ જોઇને અતિ આનંદ પ્રાપ્ત કરે છે. આ નવા રંગરોગાન ને તો નદી કિનારા નું સ્વરૂપ જ બદલી નાખ્યું લાગે છે. 

  


આજ પ્રકાર ના સાહસ ને આવકારવા અને પ્રોત્સાહિત થઇ ને ચાંદોદ નો બ્રામ્હણ સમાજ પણ આગળ આવ્યો અને તેઓએ એકઠા થઇ ને ચાંદોદ ના બીજા એક ઐતિહાસિક એવા ચક્રતીર્થ ઘાટ ને પણ નવું રંગરોગાન કરાવી ને તેને તદ્દન નવું જ રૂપ આપી દીધું જે ખરેખર ખુબજ સુંદર કામ થયું છે. વર્ષો થી નવા રંગરૂપ ની માંગણી કરતો આ ઘાટ આજે તેના નવા રૂપ થી સૌ ના મન ને મોહિત કરી રહ્યું છે અને માં નર્મદા ના પાવન જળ થી પવિત્ર થઇ ને સૌ ને પાવન કરી રહ્યો છે. 



માળી કુંડળ ના ઘાટ નું કામકાજ ચાલુ છે,અને તે પણ તેના નવા રૂપરંગ માટે સજ્જા થઇ રહ્યો છે. 



નર્મદે હર. 

Friday, February 11, 2011

ચાંદોદ ખાતે ૧૦/૦૨/૧૧ ના રોજ સુંદરકાંડ ના પાઠ નું સફળતાપૂર્વક આયોજન



તા.૧૦/૦૨/૧૧, મહા સુદ સાતમ ના રોજ માં નર્મદા ની જયંતી નિમિત્તે ચાંદોદ ના અગ્રણી બ્રહ્મસમાજ ના આગેવાનો દ્વારા શ્રી અશ્વિન પાઠક ના કંઠે સુંદરકાંડ ના પાઠ નું શ્રી મલ્લ્હારાવ ઘાટ પર સુંદર રીતે આયોજન કરવા માં આવ્યું હતું. જેના કાર્યક્રમ ના એક ભાગ રૂપે ચક્રપાની ઘાટે " શ્રી નર્મદે હર " એવું ફૂલો થી લખવામાં આવ્યું હતું અને તેની ઉપર દીવડા શણગારવામાં આવ્યા હતા. એ દ્રશ્ય આહલાદક હતું. આ કાર્યક્રમ ના ફોટા જોવા માટે અહી ક્લિક કરો.



Sunday, December 12, 2010

ચાંદોદ રેવાતટ નું પવિત્ર તીર્થધામ



શ્રી નર્મદાજી ના તટ ઉપરે, ચારું ચંડીરે ગ્રામ
મહિમા વખાણું સ્થળ તણો, સમોવડ વૈકુંઠધામ.
                                  -  ભક્ત કવિશ્રી દયારામભાઈ.

ગુજરાત ના વડોદરા જીલ્લા ના ડભોઇ તાલુકા માં આવેલ ચાંદોદ પાવન પવિત્ર અને પૃથ્વી પર ની દર્શનમાત્ર થીજ પુણ્ય આપનાર શ્રી નર્મદા નદી ના કાંઠા નું એક ઉત્તમ તીર્થ મનાય છે.

ચાંદોદ એ પાવન પવિત્ર એવી શ્રી નર્મદાજી ના ઉત્તર તટે આવેલ છે. 
નર્મદાજી ના કાંઠે આવેલા આમતો બધાજ તીર્થો ઉત્તમ મનાય છે પણ વિશેષત: ચાંદોદ ને ખુબજ મહત્વ આપવામાં આવે છે તેનું કારણ છે કે ચાંદોદ ની પાસે નર્મદાજી ઉભયતટી છે. નર્મદા મૈયાજી ની મીઠી ગીરી કંદરા માં વસેલ ચાંદોદ ક્યારેક માના પુનીત સ્પર્શ થી પાવન થઈને અનહદ ધન્યતા પ્રાપ્ત કરે છે તો ક્યારેક રુદ્રદેહા નર્મદા ના પ્રચંડ પ્રકોપ ને વહોરીને તારાજી નો અનુભવ પણ કરે છે.છતાંપણ, ચાંદોદ નર્મદે હર ! નર્મદે હર ! કે જય નર્મદા ના જયઘોષ થી પ્રફ્ફુલિત થઈને હરહંમેશ પોતાની ધન્યતા નો આવનારા દરેક યાત્રાળુઓ ને મીઠો અનુભવ કરાવતું રહ્યું છે. આ નાનકડા ગામ ની પ્રજા તો નર્મદા મૈયા ના પાવન ચરણો ની રજ પામી ને કે તેના પવિત્ર જળ માં સ્નાન કરીને ગૌરવાન્વિત થઇ ગઈ છે. દરમાસ ની પૂનમે કે પછી બીજા તહેવારો માં આ તીર્થ માં ગૌરવ સમા મલ્હારાવ ના ભવ્ય કિનારે હજારો યાત્રાળુઓ સ્નાન કરીને પોતાને ધન્ય કરે છે સાથે સાથે કર્મકાંડ કરીને યજમાનો નું કલ્યાણ કરતા વેદોક્ત બ્રાહ્મણો ને જોઇને પુલકિત થઇ જવાય છે. 

ચાંદોદ નું ભૌગોલિક વિવરણ :

ચાંદોદ ની પૂર્વ તરફે માંડવા સ્ટેટ ની હદ લાગી કરનાળી વગેરે ચતુ:સીમા સ્થળે જવાનો રસ્તો છે. પશ્ચિમ બાજુએ મરવાડી ની ખાડી સુધી હદ લાગી ભીમપુરા વગેરે ગામ તરફ જવાય છે. ઉત્તરે ફરી માંડવા સ્ટેટ ની હદ આવેલી છે, અને દક્ષીણે મલ્હારાવ નો ભવ્યાતિત ઘાટ આવેલ છે.
ચાંદોદ એ નર્મદા કિનારે આવેલું હોવાથી, તેમજ પૂર્વ તરફથી કરનાળી તરફ ના સુશોભિત ઘટાદાર વૃક્ષો ની ભરમાર અને પશ્ચિમે ગંગેશ્વર મહાદેવ નું સુંદર દેવાલય હોવાથી કિનારા ઉપર નું ખુબજ સોહામણું સ્વરૂપ ધરાવતું એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ બની ગયું છે. 
રાજકીય સરહદ પ્રમાણે જોઈએ તો ગાયકવાડ સરકાર ના ગામોમાં ડભોઇ રેલ્વે નું આ છેલ્લું સ્ટેશન છે તે ચાંદોદ. " વડોદરા પ્રાંત સર્વસંગ્રહ " આ રાજકીય વ્યવસ્થા સંબંધી પુસ્તક માં ચાંદોદ નું ભૌગોલિક વિવરણ કરવા માં આવેલ છે.