સુસ્વાગતમ.....

* ભલે પધાર્યા. સુસ્વાગતમ. આપ નું હાર્દિક સ્વાગત છે ગુજરાત ના નર્મદાતટ ના એક પવિત્ર યાત્રાધામ ચાંદોદ માં. આપ ની ચાંદોદ ની યાત્રા આપનો એક સુખદ અનુભવ બની રહે એવી શુભેચ્છા. ચાંદોદ વિહાર કરાવતા આ બ્લોગ ઉપર આપનું હર્દય પૂર્વક આવકાર કરું છું. પુન પધારજો. *

જોવાલાયક સ્થળો

ચાંદોદ માં તથા તેની આજુ બાજુ ના વિસ્તાર માં આમતો ઘણા જોવાલાયક સ્થળો છે. પણ વિશેષત: જે જોવાલાયક સ્થળો છે તેની સંપૂર્ણ માહિતી અહી પૂરી પાડવા માં આવી છે. 



 ભક્તકવિ શ્રી દયારામભાઈ ચંડીગ્રામ ને વૈકુંઠધામ તરીકે વર્ણવ્યું છે. ચંડીગ્રામ એટલે ચંડીપુર જે આજનું આપનું ચાંદોદ. નર્મદાજી ના પવિત્ર તટ પર આવેલું આ પવિત્ર યાત્રાધામ એટલે કે ચાંદોદ ગામ એ પુરાણ પ્રસિદ્ધ " દક્ષિણ પ્રયાગતીર્થ " નો મહિમા ધરાવતું ગુજરાત નું ખુબજ જાણીતું પ્રાચીન પંચતીર્થધામ છે. ગુજરાત ના શ્રદ્ધાળુ ભક્તો તો આ ચાંદોદ ગામ ને ગંગાકાંઠા ના કાશી સાથે સરખાવે છે. ચાંદોદ આમ તો મંદિરો નું ગામ કહેવાય છે પણ અહી નર્મદા મૈયા નો કિનારો એ અદભુત કુદરતી વાતાવરણ ધરાવતો છે. અહી ઘણા પ્રાચીન અને જોવાલાયક સ્થળો આવેલ છે. 

ચાંદોદ માં મુખ્યત્વે પાંચ તીર્થો નો મહિમા પુરાણો માં ગવાયેલો છે.

 (૧)  ચંદાદીત્ય તીર્થ { ચંડિકા માંતા મંદિર }      
(૨)  ચક્રતીર્થ { શેષનારાયણ મંદિર }     
(૩)  કપિલેશ્વર મહાદેવ   
(૪)  પિંગલેશ્વર મહાદેવ  
(૫)  નન્હાનંદ  { નંદા - આનંદા માતા મંદિર }   

 (૧)   ચન્દાદીત્ય તીર્થ   { શ્રી ચંડિકા માતા મંદિર



નર્મદા તટે ચંડીપુર ની ભૂમિ માંજ "ચંડ મુંડ" નામના દૈત્યોએ સૂર્યનારાયણ ભગવાન ની ઉપાસના કરી હતી. તેઓને ઉગ્ર તપસ્યાને કારણે સૂર્યદેવે પ્રસન્ન થઇ ને ચંડ-મુંડ ને અજેય થવાનું વરદાન આપ્યું હતું. આથી હર્ષિત થઈને આ દૈત્યોએ સૂર્યવંદના કરી હતી. તપોભૂમિ ના પ્રભાવ થી પોતાને મળેલા વરદાન પામવાથી તેઓએ ચંદાદીત્ય મંદિર ની સ્થાપના કરી, ને પૃથ્વી પર વિચરવા લાગ્યા. સમય જતા ચંડ-મુંડ ગર્વિત થઇ ને પ્રજા ને ત્રાસ આપવા માંડ્યા. ત્યારે માં આદ્યશક્તિ રુદ્ર સ્વરૂપ ધારણ કરીને ચંડ-મુંડ નો વધ કરે છે. દૈત્યો ના સંહાર થી સર્વત્ર દેવી નો જયજયકાર થાય છે. માં ચંડિકા નો મહિમા ગાઈ ચંડ-મુંડ ની તપોભૂમિ પર જ્યાં નર્મદાતટે આદિત્યેશ્વર નું મંદિર છે તે સાથે ચંડિકા માતા નું મંદિર સ્થપાયું. ચંડિકા માતા ના સ્થળે પવિત્ર નર્મદા ના નીર શાંત ગંભીર થઈને વહે છે. જયારે આ રમણીય વિસ્તાર માં પ્રકૃતિ વનરાજી ઘટા માં છાયેલો હોય છે.આ ગ્રામ માં નગરજનો એ વસવાટ કરતા આ ગ્રામ નું નામ ચંડીપુર પડ્યું. જે ચંડિકા માતા ના નામ પર થી પડ્યું છે. આ સ્થળે ચંડિકા માતા ના મંદિર વિસ્તાર માં માં નર્મદા ની પરિક્રમા કરતા પરીવ્રાજકો ચંડીપુર માં પ્રવેશતા પ્રથમ ચંદાદીત્ય તીર્થ ના દર્શન કરતા મંદિર માં વિશ્રામ કરવા લાગ્યા. આમ મંદિર માં વિશાળ વાડી ધર્મશાળા નું બાંધકામ શરુ થયું. નવરાત્રી ના ઉત્સવો સમયે ત્રણ પ્રહાર ની પૂજા આરતી થતી. ચંડિકા દેવીના દિવ્ય દર્શન કરવા ભીડ જામતી. સમય જતા ચંડીપુર ગ્રામ એ ચાંદોદ ના નામ થી પ્રખ્યાત થવા માંડ્યું, અને આધુનિક વાહન વ્યવહાર દ્વારા અત્યારે માં ચંડિકા દેવી ના મંદિર સુધી અવરજવર કરવાની વ્યવસ્થા સરળ બની ગઇ છે જેથી યાત્રિકો ને સરળતા થી ચંડિકા માતા ના મંદિર જઈ શકાય છે. ચાંદોદ બસ સ્ટેન્ડ થી પશ્ચિમ દિશા ના માર્ગે આ પ્રાચીન ચંદાદીત્ય તીર્થ એટલે કે ચંડિકા માતા ના મંદિર પાસે જઈ શકાય છે. 

(૨)  ચક્રતીર્થ  ( શ્રી શેષનારાયણ મંદિર )  


 શ્રી વિષ્ણુ ભગવાને રેવા ના ઉત્તર તટે ગુહ્યોમાં સૌથી વધારે ગુહ્ય તીર્થ નું નિર્માણ કરેલું છે તે છે જલશાયી તીર્થ કે ચક્રતીર્થ નામે પ્રખ્યાત છે. ચાંદોદ( ચંડીપુર ) નું આ પ્રાચીન તીર્થ વૈષ્ણવ તીર્થ તરીકે પણ જાણીતું છે.
 
પૂર્વે તાલ્મેઘ નામનો મહાદૈત્ય હતો. તેને બધા દેવોને પરાજય કરી તેમનું રાજ્ય છીનવી લીધું. હું જ વિષ્ણુ છું એમ માનતો ગર્વ કરવા લાગ્યો. કુબેર નું ધન હારી લીધું. ઇન્દ્ર નો હાથી હાર્યો. સૂર્ય નો અશ્વ લેવા માંગતો હતો આ જોઇને રુદ્રો, યમ, સ્કંદ, વરુણ, અગ્નિ, વાયુ, કુબેર મૂંઝાઈ ગયા, ને બ્રમ્હાજી પાસે ગયા. પોતાની આપત્તિ જણાવી રક્ષણ માગ્યું. ત્યારે પ્રસન્ન વદને બ્રહ્માજી બોલ્યા; તાલ્મેઘ સમાન કોઈ બળવાન નથી. હે દેવો ! તે દાનવ મારા વડે પણ સાધ્ય નથી. એકલા માધવ વિષ્ણુ જ છે જે તેને હણી શકે છે. આમ કહી સર્વ દેવો સહીત બ્રહ્માજી ઉત્તર સાગરમાં જી જલશાયી નારાયણ ને સ્તુતિ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણે સ્તુતિ સાંભળી દેવો ને અભય વરદાન આપ્યું, અને આશ્વાસન આપ્યું કે તેઓ તાલ્મેઘ નો વધ જરૂર થી કરશે.
જનાર્દને હાથ માં ચક્ર, ગદા, ધનુષ, શંખ, મુશળ, હળ, લઈને ગરુડ પર સવાર થઈને તાલ્મેઘ નો વધ કરવા નીકળ્યા. જગન્નાથે હિમાલય પહોંચી તાલ્મેઘ સાથે યુદ્ધ કર્યું. ક્રોધે ભરાઈને તાલ્મેઘ ના મસ્તક પર અમોઘ ચક્ર છોડી તેનું મસ્તક શરીર થી અલગ કરી દીધું. આમ તાલ્મેઘ નો નાશ થવા થી દેવો સ્વસ્થ બન્યા ને હરિ શ્રી નો જયજયકાર બોલાવ્યો. દૈત્ય નો નાશ કરવાથી હરિ વિષ્ણુ નું ચક્ર શ્યામ પડી ગયું. પાપ નિવારણ માટે શ્રી વિષ્ણુ તીર્થાટન કરતા કરતા નર્મદા તટ પર આવ્યા. અહી તેમનું ચક્ર જેવું પેહલા હતું તેવું ઉજળું થઇ ગયું. તેથી નર્મદા ના નીર ની મહત્તા જાણી ને શ્રી વિષ્ણુ નર્મદા ના નીર ને ક્ષીર સાગર માનીને ઉત્તર તટે શેષનાગ ની શૈયા માં લક્ષ્મીજી સાથે યુદ્ધ નો થાક ઉતારવા પોઢી ગયા. આમ દૈત્ય ના લોહી થી ખરડાયેલ અને સહાયમ પડી ગયેલ ચક્ર ને અહી જલ માં ધોવાથી તેજસ્વી બની ગયું તેથી આ ઘાટ નું નામ ચક્રતીર્થ પડ્યું. અને તેથીજ નર્મદા નું આ તીર્થ એ શ્રેષ્ઠ તીર્થ માનવા માં આવે છે. શ્રી નારાયણ લક્ષ્મીજી સાથે આ તીર્થ માં પોઢી ગયા હોવાથી આ તીર્થ એ વૈષ્ણવ તીર્થ તરીકે નો મહિમા ધરાવે છે.  

હાલ માં ચાંદોદ ના સુપ્રસિદ્ધ મલ્હારાવ ઘાટ ની પશ્ચિમ દિશા માં આવેલો હરદ્વાર ની હરકી પેઢી જેવો બંધાયેલો ચક્રતીર્થ ઘાટ છે. જ્યાં શ્રી વિષ્ણુ શેષશૈયા માં પોઢેલા હતા. કાળક્રમે પોઢેલા ભગવાન શ્રી વિષ્ણુ પોતે પ્રગટ થયા અને પોતાના ભક્તો દ્વારા શ્રી શેષનારાયણ ના નામે અહી પૂજાવા લાગ્યા. ચાંદોદ ગ્રામ ના મધ્ય ભાગ માં ખુબજ ઉચાઈએ આવેલા મંદિર માં કાળા આરસપહાણ ની મૂર્તિ સ્વરૂપ માં વિરાજેલા શ્રી શેષનારાયણ ના દિવ્યદર્શન એ મન ને મોહિત કરનારા છે. ચક્રતીર્થ ઘાટ ના પગથીયા પુરા થતા સીધા રસ્તે આગળ જતા વેરાઈ માતા ના મંદિર થી આગળ આવેલ રસ્તા પર જતા જૂની જાંબુ પાઠશાળા ની બાજુ માં જ શ્રી શેષનારાયણ નું પવિત્ર એવું મંદિર આવેલું છે. જ્યાં જવા માટે બસ સ્ટેન્ડ થી ભક્તોજનોએ બજાર ના ચાર રસ્તા સુધી આવવું અને ત્યારબાદ પંચાયત ની ઓફીસ થી જમણી તરફ વડી જવું અને પછી વેરાઈ માતા ના મંદિર વાળા રસ્તે થી શ્રી શેષનારાયણ મંદિર તરફ જઈ શકાય છે.

અહી આ પવિત્ર તીર્થ માં નર્મદા સ્નાન કરીને દરેક પ્રવાસીઓ શ્રી શેષનારાયણ ભગવાન ના દિવ્ય દર્શન કરવા અચૂક જાય છે. નર્મદાજી માં વર્ષાઋતુ માં આવતા વારંવાર પુર ને કારણે આ વૈષ્ણવ મંદિર ગ્રામ ના ઊચાણવાળા વિસ્તાર માં આવેલ છે. મંદિર ના મુખ્ય પગથીયા પુરા થતા મંદિર નું મુખ્ય પ્રવેશ દ્વાર એ પ્રાચીન તીર્થધામ ની યાદ અપાવે છે. પ્રવેશદ્વાર માં શ્રી નારાયણ મહારાજ ની મૂર્તિ સ્થાપિત કરેલ છે, જે શ્રી શેષનારાયણ ના પરમ ભક્ત હતા. આ જ પ્રવેશદ્વાર માં મંદિર નું નોબતખાનું આવેલું છે. જ્યાં ગાયકવાડ સરકાર ના સમય માં પ્રાત:કાળે ધનુર્માસ માં શરણાઈ ની સુરાવલીઓ સાથે ચોઘડિયા વાગતા. નગરજનો ને મંગળા આરતી ના સમયની જાણ થતી ને શ્રી શેષનારાયણ ના દર્શન કરવા વૈષ્ણવ ભક્તો ની ભીડ જામતી. મંદિર ના ચોક માં યાત્રાળુઓ વિરામ કરી નિજ મંદિર માં આરતી ના ઘંટારવ સાંભળી દર્શન કરવા જતા.

શ્રી શેષનારાયણ ભગવાન ના દર્શન કરતા વૈષ્ણવો ક્ષણભર શૂન્ય થઇ જતા. શ્રી શેષશાઈજી ની પ્રતિમા માં લક્ષ્મીજી ને ચરણ સેવા કરતા નિહાળી ને વૈષ્ણવો જનો ખુબજ આનંદ અનુભવે છે. શ્રી શેષનારાયણ ના શ્રીંગારદર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ચાંદી ના સિહાસન પર અનુપમ સૌન્દર્ય ધરાવતા પૂર્ણ સુવર્ણ અલંકાર ની સજાવટ સાથે રત્નજડિત મુગટમણી થી શોભતા શેષનાગ ની શૈયા માં પોઢેલા, આસપાસ સપ્તઋષિ અને નવનિધિ ના મંડળ થી શોભતા શ્રીહરિ દર્શનાર્થી ને કલિકાલ માં પણ હર્દય માં આસ્થા પ્રગટાવે છે. ચાંદોદ પંથક માંથી નિત્ય પૂર્ણિમાએ દર્શન કરનાર ભક્તો અહી આવે છે. મંદિર ના મુખ્ય ઘુમ્મટ માં શ્રી કૃષ્ણ લીલા ચરિત્ર, રાસલીલા ચરિત્ર, જેવા દ્રશ્યો ના ભીતચિત્રો નું દર્શન કરીને સહુ કોઈ આનંદ પામે છે અને વ્રજ ની યાદ અનુભવે છે. બારેમાસ ના પવિત્ર તહેવારો ના સમયે, શ્રાવણ માં જન્માષ્ટમી ના તહેવારે કે દીપોત્સવી ના શુભ દિવસે મંદિર માં શૃંગારરસ ના ભરપુર હવેલી સંગીત ના કીર્તન થાય છે. અહી દર વર્ષે માગસર માસ માં શ્રી શેષનારાયણ નો પાટોત્સવ ઉજવાય છે. જેમાં ૧૦૦૧ વિષ્ણુ સહસ્ત્ર ના પાઠાત્મક આહુતિ સાથે યજ્ઞ કરીને શ્રી હરિ નું પૂજન કરવા માં આવે છે. શ્રાવણ માસ માં પવિત્ર કલાત્મક હિંડોળા માં ઝુલતા શ્યામ ના સુંદર દર્શન થાય છે. ગુજરાત ના સુપ્રસિદ્ધ ભક્તકવિ શ્રી દયારામભાઈ એ શ્રી હરિ ના ગુણગાન કરવાની પ્રેરણા અહી થીજ લીધી હતી. શ્રી શેષનારાયણ ભગવાન ને ગુરુપદે સ્થાપી પોતાના હર્દય માં કાવ્યધારા વહેતી મૂકી તેઓએ દર્શન કરતા વંદના કરી હતી ;
પ્રથમ પ્રણમું શ્રી ગુરુજી ના પાય રે, શેષશાયી છોગાળા,
શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ વ્રજરાય રે, શેષશાયી છોગાળા.

નર્મદા પુરાણ માં જણાવ્યા અનુસાર " ભગવાન શ્રી શેષનારાયણ મંદિર ની પરિક્રમા એટલે પૃથ્વી ની પરિક્રમા."  એટલે કે શ્રી શેષનારાયણ ની જો ભક્ત ઓછામાં ઓછી ત્રણ પરિક્રમા કરે તો તેને પૃથ્વી પરિક્રમા નું ફળ મળે છે. અને આ ફળશ્રુતિ નો અનુભવ શ્રી નારાયણ સ્વામીજીએ જાતે કરેલો છે.જે આજેય શ્રી શેષનારાયણ મંદિર ના મુખ્ય પ્રવેશદ્વાર માં સાક્ષી પુરાવે છે. શ્રી શેષનારાયણ મંદિર ની ધર્મ દ્વાજા એ પ્રાચીન તીર્થ ની મહત્તા પ્રગટ કરે છે. 


શ્રી શેષનારાયણ મંદિર ની વેબસાઈટ પર આ મંદિર વિષે ઘણી સરસ માહિતી પૂરી પાડવામાં આવી છે તો આપ આ વેબસાઈટ ની મુલાકાત લઇ શકો છો : 
                                                     www.sheshnarayan.webs.com



(૩)   કપિલેશ્વર મહાદેવ તીર્થ

કપિલ મુની વડે સ્થપાયેલ, સઘળા પાતકો ને નાશ કરનારું તીર્થ એટલે કપિલેશ્વર મહાદેવ.

પુરાણો માં જેમને સનાતન દેવ વર્ણવામાં આવ્યા છે તે જગન્નાથ વાસુદેવ કપિલ મુની બન્યા હતા. તે પુરાણદેવ પરમેશ્વર સાતમાં મહાન પાતાળ માં રહ્યા હતા. દેવો તથા બ્રહ્મવાદી સિધ્ધો વડે તેઓ પૂજાતા હતા.બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ એ જગતગુરુ કપિલમુની જ હતા.જયારે તેમની સમક્ષ સગર ના પુત્રો એક ક્ષણ માં નાશ પામ્યા હતા ત્યારે તેઓ પરમશોક ને પ્રાપ્ત થઇ ને પાપ નો વિચાર કરવા લાગ્યા. મેં સર્વ સંગ નો ત્યાગ કર્યો છે, ચિત્ત ને વિષય રહિત કર્યું છે. ત્યારે આ સાઠ હાજર પુત્રો નો નાશ નહોતો કરવો જોઈએ. મારે હવે પાપ નિવારણ અર્થે કપિલ તીર્થ માં જઈ પાપ મુક્ત બનવું જોઈએ. આમ વિચારી પાતાળ માંથી નર્મદા તટ પર આવી ને મુનિશ્રેષ્ઠ કપિલશ્રીએ મહાન તાપ કર્યું. વ્રતો, વિવિધ ઉપવાસો, સ્નાન, દાન જપ કરતા કરતા અવ્યય રુદ્ર નું પૂજન કરી ને પરમ નિર્વાણ ને પ્રાપ્ત કર્યું.
નર્મદા સ્નાન કરી, કપિલેશ્વર નું પૂજન કરનાર ને હાજર ગાયોના દાન નું ફળ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમા અને અમાસ પર સ્નાન કરી ને પીંડદાન કરનાર મનુષ્ય ના સર્વ પિતૃઓ બાર વર્ષ સુધી તૃપ્ત થઇ સ્વર્ગ માં જાય છે.ભક્તિપૂર્વક સુંદર દીપદાન કરનારના દેહ માં મહાન દિવ્ય અનુભૂતિ આવે છે. આ તીર્થ માં મરણ પામેલા પ્રાણીઓ કડી શિવલોક માંથી પાછા આવતા નથી.

આ પવિત્ર તીર્થ એ ચાંદોદ માં પૂર્વ વિસ્તાર માં મુખ્ય તીર્થ ગણાતું છે. હાલ ચાંદોદ માં દયારામપૂરી પાસે એ દર્શનીય સ્થળ બન્યું છે. નર્મદાજી તટે કપિલેશ્વર ઘટ તરીકે ઓળખાતા સ્થાનમાંથી પૂર્વ વિસ્તાર ના ત્રિવેણી સંગમ તીર્થ તેમજ કરનાળી ક્ષેત્ર ના કુબેર ભંડારી મહાદેવ ના દર્શને જવા નૌકાવિહાર થાય છે. કપિલેશ્વર મહાદેવ ના મંદિર માં કપિલ નાગ દેવતા, હનુમાનજી ના દર્શન થાય છે તથા પવિત્ર ધાર્મિક વિધિ ના કાર્ય હેતુસર યાત્રિકો માટે સુવિધાપૂર્ણ બેઠકો છે.    


()   પિંગલેશ્વર મહાદેવ તીર્થ

પિંગલેશ્વર મહાદેવ તીર્થ એ ઔરસંગ નદીના સંગમ થી થોડે દુર માંડવા રાજ્યની ધર્મશાળા ની પાસે આવેલ છે. આ પિંગલેશ્વર મહાદેવ તીર્થ એ અગ્નિદેવ દ્વારા સ્થાપિત થયેલું છે.
મહારાજ ધર્મરાજ દ્વારા શ્રી માર્કંડેય ઋષિ ને પ્રશ્ન પુછાયો કે અગ્નિદેવે પિંગલેશ્વર મહાદેવ ની સ્થાપના કેવી રીતે કરી હતી તે કૃપા કરી ને કહો.ત્યારે શ્રી માર્કંડેય ઋષિ એ કહ્યું; સુખ સ્વરૂપ પાર્વતીજી સાથે ક્રીડા રાત ઉત્સુક ચિત્તે મહાદેવ શંકરજી એ પોતાનું સામર્થ્ય કામરૂપ અગ્નિદેવ ને તૃપ્ત કર્યા. પોતાનું અપરિમિત તેજ અગ્નિદેવ ને સુખ માં આપ્યું. એ તેજ થી બળતા બળતા અગ્નિદેવે તીર્થધામ ની યાત્રા ની ઈચ્છા કરી. તેઓ સમુદ્રો, નદીઓ, ને ખુંદતા ખુંદતા શ્રી નર્મદા કિનારે પહોચ્યા. તટ પર નિવાસ કરીને પરમ ભક્તિભાવપૂર્વક તાપ કર્યું. જયારે ધ્યાનમગ્ન અગ્નિને ભક્ષણ કરતા વાયુને સો વર્ષ થી વધુ સમય લાગ્યો ત્યારે ભગવાન શિવ અગ્નિદેવ ની તપસ્યા થી પ્રસન્ન થયા અને અગ્નિ સમીપ જઈને પોતાને ઈચ્છિત વરદાન માગવા કહ્યું.
અગ્નિદેવે શિવજી ને નમન કરતા કહ્યું; હે મહેશ્વર ! હું આપના વિર્યતેજ થી દગ્ધ હોવા છતાં કુષ્થી થઇ ગયો છું. હે મહેશ્વર ! મારા પર કૃપા કરો, મારો રોગ હરો. ત્યારે શ્રી શંકરે કહ્યું; દેવો ને હાવી પોહ્ચાડનાર અગ્નિદેવ તમે મારી કૃપા થી રોગ રહિત થાવ. આ તીર્થ માં સ્નાન કરી ને તમે પોતાના પૂર્વ સ્વરૂપ ને પામશો. આમ કહી શ્રી શંકર અંતર્ધ્યાન થયા. આ પછી અગ્નિદેવે ત્વરિત નર્મદા માં સ્નાન કર્યું અને તરત જ રોગરહિત થઈને પોતાના પૂર્વ સ્વરૂપ ને પ્રાપ્ત કર્યું. અગ્નિદેવે હર્ષિત થઈને આ સ્થળ પર પિંગલેશ્વર મહાદેવ ની સ્થાપના કરી. તથા પૂજન કરીને સ્તોત્ર દ્વારા શિવપૂજા કરી.  


(૫)   નાન્દાહંદ તીર્થ ( નંદા આનંદા માતા મંદિર )  
    



માં નંદા આનંદા માતા ની પ્રાચીન તીર્થભૂમિ એ સંગમ તીર્થ ના પિંગલેશ્વર તીર્થ સ્થળે હતી. કાળક્રમે નદીના પ્રચંડ પ્રવાહ ને કારણે નર્મદા તટ વર્ષાઋતુ માં પુર ને કારણે ધોવાણ માં જતો જઈને માતાજી ની મૂર્તિ ચાંદોદ ના રેલ્વે સ્ટેશન નજીક ઉત્તર સીમાડે સ્થળાંતર કરી ટેકરીઓ માં મધ્યે નદીમાર્ગે મંદિર નું નિર્માણ કર્યું. જે બંને મંદિર આજ ના ચાંદોદ માં બી.એન.હાઇસ્કુલ ની બરોબર સામે આવેલા છે. 
માં નંદા નું પ્રાગટ્ય એટલે શ્રી કૃષ્ણ સમકાલીન આદ્યશક્તિ ની લીલા કથા. શ્રીમદ ભાગવત માં વર્ણન છે કે વસુદેવજી કંસ ના ભય થી શ્રી કૃષ્ણ ને લઇ ને નંદ ગોપ ના ઘરે ગયા. યશોદા સમીપ બાલકૃષ્ણ ને સુવડાવ્યા અને યશોદા કુખથી અવતરિત દિવ્ય કન્યા લઇ ને મથુરા આવ્યા. પૂર્વ પ્રતિજ્ઞા અનુસાર કંસ ને આ બાળકી સોપી દીધી. કંસ કન્યા નો વધ કરવા તત્પર થયો ત્યારે ક્રૂર કંસ ના હાથ માંથી છટકી દિવ્ય વિરાટ સ્વરૂપ ધારણ કરી આ કન્યા આકાશ માર્ગે ગમન કરી આકાશવાણી માં બોલ્યા;
અરે મુર્ખ કંસ ! તું મને શું મારવા નો ! તને મારનારો તો બીજે જન્મ લઇ ચુક્યો છે. તારું કલ્યાણ ઈચ્છતો હોય તો તું ભગવાન ને શરણે જા.

આમ કહી દેવી અંતર્ધ્યાન થયા, ને વિંધ્યાચલ પર્વત પર જઈ સ્થિર થયા. જેથી માં નંદા વિન્ધ્યવાસીની કહેવાયા.
શ્રી ચંડીપાઠ માં અસુરો નો સંહાર કરી દેવીએ દેવો ને અભય વરદાન આપતા કહેલું કે પુન: અસુરો નો ત્રાસ થતા હું પુન: અવતરીશ.
 

નંદગોપગૃહે  યશોદાગર્ભસમ્ભવા ! તતસ્તોનાશ્યીષ્યમી વિંધ્યાચલનીવાસી

( તે વખતે હું નંદ ગોપ ને ઘેર, યશોદા ના ગર્ભ માં અવતાર લઈશ અને વિંધ્યાચલ માં નિવાસ કરીશ અને અસુરો નો નાશ કરીશ. )

આમ નંદગોપ ને ત્યાં જન્મ ધારણ કરવાથી માં નંદા તરીકે અને નંદમહોત્સવ એ દિવ્ય કન્યા ના જન્મ નિમિત્તે ઉજવાતા એ આનંદા સ્વરૂપ માં પુજાયા. જય હો નંદા આનંદા માતા કી !  


નર્મદા કિનારે પ્રાચીન પાંચ તીર્થો ના દર્શનીય સ્થાનો ઉપરાંત ચાંદોદ માં અન્ય ધાર્મિક મંદિરો તેમજ સંસ્થાઓ પોત પોતાનું આગવું મહત્વ ધરાવે છે.      






No comments:

Post a Comment